રોપ-વેની સફર દરમિયાન પર્વતમાળામાં ફેલાયેલી લીલોતરી,હસ્નાપુર ડેમ, શહેર અને ભવનાથ તળાવનો અદભુત નજારો -રોમાંચનો અનુભવ થાય છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલ્લો મુકેલો ગીરનાર રોપ વેની ટ્રોલીઓ પહેલા જ દિવસે સવારથી ફુલ રહી હતી. દશેરાએ આખા દિવસમાં કુલ મળીને 2100 લોકોએ પ્રવાસ કર્યો હતો અને કંપનીને 14 લાખ રૂપિયાની આવક થતાં ખરા અર્થમાં દશેરાની ઉજવણી થઈ હતી. જૂનાગઢમાં શરૂ થયેલા રોપ વેમાં બેસવા વહેલી સવારથી સાંજના પાંચ વાગ્યા સુધી ઉડન પ્રવાસીઓએ લાંબી કતારો લગાવી હતી. દશેરાનો પાવન પવિત્ર દિવસ હોય અને રવિવાર જેવો રજાનો દિવસ હોવાથી પ્રવાસીઓ માટે આજથી ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રવાસ શરૂ કરવામાં આવ્યો હતો અને પ્રથમ દિવસે જ સવારના સાત વાગ્યાથી લો અર સ્ટેશન ખાતે લાંબી કતારો લાગી જવા પામી હતી.
વરસાદ પછીનો અદ્ભુત નજરો

જે છેક સાંજના સાડા ચાર વાગ્યા સુધી રહી હતી અને બાદમાં સૂર્યાસ્ત થઈ જવાનો સમય હોવાથી અનેક મુસાફરોને નારાજ થઈને પરત ફરવું પડયું હતું. દરમિયાન ઉષા બ્રેકો કંપની દ્વારા મળેલી વિગતો અનુસાર 2100થી વધુ પ્રવાસીઓએ આજે ગિરનાર રોપ-વે ઉડન ખટોલાનો લાભ લીધો હતો અને રોમાંચિત બન્યા હતા. એક મુસાફરની 700 લેખ આવક ગણવામાં આવે તો પહેલા જ દિવસે કંપનીને 14 લાખ રૂપિયાની માતબર આવક થઈ હતી. રોપ વે આજે સવારે ૮ કલાકથી સાંજના પાંચ વાગ્યા સુધી રોપ વે પ્રવાસીઓ માટે ખુલ્લો રહ્યો. જેમાં સવારે ૮થી ૧૦ કલાકમાં ૩૦૦થી વધુ પ્રવાસીઓએ ગિરનાર રોપ વેમાં મુસાફરી કરી છે.
ઉષા બ્રેકો કંપની દ્વારા પ્રથમ એક હજાર ટિકિટ ગોલ્ડન ટિકિટ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવશે. તેથી પ્રવાસીઓ પાસે મીઠા સંભારણા તરીકે તે ટિકિટ રહી શકે. જેથી તેમને યાદ રહે કે, તેઓ ગિરનાર રોપવેમાં જનારા પહેલા એક હજાર લોકોમાંથી એક હતા. જૂનાગઢના ગિરનારની પર્વતમાળા અને જંગલ વચ્ચેથી પસાર થતી રોપ-વે ટ્રોલીમાં લોઅરથી અપર સ્ટેશન સુધી ટ્રોલીને પહોંચતા સાડા છથી સાત મિનિટ અને અપરથી લોઅર સ્ટેશન સુધી ટ્રોલીને પરત આવતા પાંચથી છ મિનિટ થાય છે.
પ્રતિ સેકન્ડ છ મીટરની ઝડપ :આઠ મિનિટમાં અંબાજી
ગીરનાર પર શરૂ થયેલો રોપ-વેનો કોચ પ્રતિ સેકન્ડ 6 મીટરની ઝડપથી પસાર થતા જમીનથી 900 મિટરની ઉંચાઇએ 2.3 કિમીની લંબાઇ ધરાવતા ગિરનાર રોપ-વેમાં અંબાજી સુધી પહોંચવામાં માત્ર 8 મિનીટનો સમય લાગે છે. પાવાગઢ અને અંબાજી ખાતે કાર્યરત રોપ-વે કરતા ગીરનાર રોપ-વેમાં વિદેશના ટેકનિકલ એક્સપર્ટની મદદ લેવાઇ રહી છે.
વધારે રોકાવું હોય એક વખતની 400ની ટિકિટ
રોપ-વેની ટિકિટ 700 રૂપિયા બાળકો માટે 350 રાખવામાં આવી છે, પરંતુ ટિકીટના દર ઘટાડવામાં આવે એવી માંગ ઉઠી છે જો કે, 700 રૂપિયામાં એક વ્યક્તિએ અંબાજી જઇ એક કે બે કલાકમાં જ પરત આવવાનું રહેશે. જો વધારે રોકાવું હોય તો ફક્ત જવાની એક વખતની ટિકિટના રૂ. 400 રખાયા છે. એ પછી ગમે એટલો સમય રોકાય શકાશે. રિટર્નમાં ત્યાંથી ફરી રૂ. 400 ની ટિકિટ ખરીદીને પરત આવવાનું રહેશે.