State Bank Of India (SBI) : SBI તેના નિયમોમાં ઘણા બધા ફેરફાર કરવા જઇ રહ્યું છે, જયારે તેને પોતાના નિયમો માં ગ્રાહકોને સૌથી વધારે જેની જરૂર પડે છે તે એટલે કેશ ઉપાડવાની સુવિધાની અંદર ફેરફાર કર્યો છે જેના લીધે ગ્રાહકોને મળતી ઘણી સેવાઓનો લાભ લેવો મોંઘો પડશે, કઈ કઈ સેવાઓ મોંઘી થશે અને નિયમોમાં શું શું ફેરફાર થયો છે તેના વિશેની તમામ જાણકારી નીચે વાંચો.
ભારતીય સ્ટેટ બેંક (SBI) બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ (BSBD) ખાતાધારકોને મહિનામાં માત્ર ચાર જ મફત રોકડ ઉપાડની ઓફર કરશે. તેનાથી વધુ રોકડ ઉપાડનો ચાર્જ વસૂલશે. બેંક એક વર્ષમાં આ ગ્રાહકોને 10 પાનાની ચેકબુક આપશે. આ પછી ચેકબુક લેવા માટે પણ ફી લેવામાં આવશે. નવા નિયમો 1 જુલાઈથી લાગુ થશે.
ચાર વખતથી વધારે લેવડ દેવડ કરવાથી લાગશે ચાર્જ
- બીએસબીડી ખાતાધારકો માટે શાખાઓ, એટીએમ, સીડીએમ (કેશ ડિસ્પેન્સિંગ મશીન) પર બિન-નાણાકીય વ્યવહારો અને ટ્રાન્સફર વ્યવહારો મફત હશે.
- SBIએ જણાવ્યું હતું કે તે વધારાના GST સાથે બેંક શાખાઓ, SBI ATM અથવા અન્ય બેંક ATMમાંથી ચારથી વધુ મફત રોકડ ઉપાડના વ્યવહારો માટે પ્રતિ રોકડ ઉપાડ માટે રૂ. 15 ચાર્જ કરશે.
વધારાની ચેકબુક લીધા પછી પણ ફી ભરવાની રહેશે
SBIએ કહ્યું, “ચાર મફત રોકડ ઉપાડ (એટીએમ અને શાખા સહિત) કરતાં વધુના વ્યવહારો પર શુલ્ક લેવામાં આવશે.” તેવી જ રીતે, ચેકબુક સેવાઓ માટે, નાણાકીય વર્ષમાં પ્રથમ 10 ચેક મફત હશે. ત્યાર બાદ ચેકબુકના 10 પેજ પર 40 રૂપિયા અને 25 પેજ માટે 75 રૂપિયા ફી લેવામાં આવશે. આ માટે GST અલગથી ઉમેરવામાં આવશે.
દેશના વરિષ્ઠ નાગરિકોને મળશે છૂટ
SBIએ કહ્યું કે વરિષ્ઠ નાગરિક ગ્રાહકોને ચેક બુક સેવાઓ પર ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું છે. આનો અર્થ એ છે કે તેઓ કોઈપણ ચાર્જ વિના નિયત મર્યાદા કરતાં વધુ ચેકબુક લઈ શકે છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) દેશની સૌથી મોટી બેંક છે. આ એક સરકારી બેંક છે.
SBI બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ શું છે?
SBI બેઝિક સેવિંગ્સ એકાઉન્ટ કોઈપણ વ્યક્તિ માન્ય KYC દસ્તાવેજો આપીને ખોલી શકે છે. SBI BSBD ખાતામાં જરૂરી લઘુત્તમ બેલેન્સ શૂન્ય છે. આ ખાતામાં મહત્તમ રકમની કોઈ મર્યાદા નથી. BSBD ખાતાધારકોને મૂળભૂત RuPay ATM કમ ડેબિટ કાર્ડ મળે છે. BSBD ખાતું SBI માં એકલા અને સંયુક્ત રીતે ખોલી શકાય છે. આ ખાતાનો લાભ લેવા માટે, ગ્રાહકનું SBIમાં બીજું કોઈ ખાતું ન હોવું જોઈએ.