એચડીએફસી અને એચડીએફસી બેંકના મર્જરને આરબીઆઈ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. હવે આ મર્જર લગભગ નક્કી છે. ભારતીય બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી મોટા મર્જર તરીકે જોવામાં આવતા એચડીએફસી-એચડીએફસી બેન્કના મર્જરની જાહેરાત 4 એપ્રિલના રોજ કરવામાં આવી હતી. 2 જુલાઈએ એનએસઈ અને બીએસઈએ મર્જરને મંજૂરી આપી હતી. સાથે જ 4 જુલાઇના રોજ આરબીઆઇએ પણ આ મર્જરની મંજૂરી આપી હતી.
- RBI તરફથી HDFC Bank અને HDFC Ltd. મર્જરને મંજુરી
- બેન્કિંગ ઉદ્યોગમાં સૌથી મોટું મર્જર કુલ મૂલ્ય 40 અબજ ડોલર
- હવે બેન્કિંગ અને હોમ લોનની સુવિધા એક જગ્યાએ મળશે
2023-24માં મર્જર થશે પૂરું
આ મર્જર નાણાકીય વર્ષ 2023-24ના બીજા કે ત્રીજા ક્વાર્ટરમાં પૂર્ણ થશે. આરબીઆઈએ કહ્યું મર્જરની પ્રક્રિયા કેટલીક શરતો પૂરી કર્યા બાદ પૂરી કરવામાં આવશે. તે પહેલા તેને અનેક પ્રકારની રેગ્યુલેટરી પરમિશન લેવી પડશે. જો કે એચડીએફસી અને એચડીએફસી બેંકના ગ્રાહકોના મનમાં હજુ પણ સવાલ છે કે આ મર્જરની તેમના પર શું અસર પડશે.
ગ્રાહકોને થશે ફાયદો
ગ્રાહકોને એક જ જગ્યાએ બેંક અને હોમ લોનની સુવિધા મળશે. આ ઉપરાંત ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવવા માટે તમારે અલગ બ્રાન્ચમાં પણ જવું નહીં પડે. એચડીએફસી બેન્કમાં એચડીએફસીના મર્જર સાથે તેની સબ્સિડિયરી કંપનીઓનું પણ મર્જર થશે. હવે ગ્રાહકોને હોમ લોન માટે અલગ બ્રાન્ચ અને ડીમેટ એકાઉન્ટ ખોલવા માટે અન્ય કોઇ બ્રાન્ચમાં જવું પડશે નહીં. સાથે જ આ મર્જરથી એચડીએફસી બેન્કની હોમ લોન માર્કેટમાં સ્થિતિ મજબૂત બનશે.
ભારતીય બેન્કિંગ ઈતિહાસમાં સૌથી મોટું મર્જર
મર્જરનું કુલ મૂલ્ય 40 અબજ ડોલર છે. આ મર્જર બાદ એચડીએફસી લિમિટેડના 25 શેરના બદલામાં શેરધારકોને એચડીએફસી બેંકના 42 શેર આપવામાં આવશે. 1 એપ્રિલ 2022 સુધી એચડીએફસી બેંકની માર્કેટ કેપ 4.46 લાખ કરોડ રૂપિયા હતી અને મર્જર બાદ તે વધીને 17.87 લાખ કરોડ રૂપિયા થવાની આશા છે. મર્જર બાદ બેન્કની નેટવર્થ લગભગ 3.3 લાખ કરોડ રૂપિયા થઈ જશે.
શેરની કિંમત
બુધવારે એચડીએફસી બેંકના શેર 1.38 ટકાના વધારા સાથે 1371 રૂપિયા પર બંધ થયા છે. તે જ સમયે એચડીએફસીનો શેર 1.21 ટકા વધીને 2,229 પર બંધ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે મર્જર બાદ એચડીએફસી બેન્ક સંપૂર્ણ રીતે શેરધારકોની માલિકીની કંપની બની જશે. હાલમાં બેન્કમાં 41 ટકા હિસ્સો શેરધારકો પાસે છે.
બોર્ડ ઓફ ડિરેક્ટર્સે જાન્યુઆરીમાં મંજૂરી આપી હતી
પીએફઆરડીએએ પણ નિર્દેશ આપ્યો છે કે કોર્પોરેશન (PFRDA) સાથે સંકળાયેલા એનપીએસ ગ્રાહકોની સેવાઓને અસર થવી જોઈએ નહીં. આ વર્ષની શરૂઆતમાં એચડીએફસી લિમિટેડ અને એચડીએફસી બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે મર્જરને મંજૂરી આપી હતી. મર્જરને પૂર્ણ કરવા માટે અલગ અલગ જગ્યાએથી મંજૂરી લેવી પડશે. એક અંદાજ મુજબ એનપીએસના લગભગ એક કરોડ ગ્રાહકો એચડીએફસી સાથે જોડાયેલા છે.