ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : અમદાવાદ અને સુરત થયા પાણીમાં ગરકાવ, જુઓ ક્યાં કેટલો પડ્યો વરસાદ

ગુજરાતમાં ઘણા જિલ્લાઓમાં મેઘ મહેર કહેર બનીને વરસી છે. ભારે વરસાદને કારણે રાજ્યભરમાંથી તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અત્યાર સુધી રાજ્યમાં વરસાદને કારણે 61 લોકોને જીવ ખોવાનો વારો આવ્યો છે. વીજળી પડવાથી, ડૂબી જવાથી, તણાઈ જવાથી, વૃક્ષ પડવાથી આ જાનહાની સર્જાઇ છે. સાથે સાથે પશુઓ માટે પણ વરસાદ આફત બની વરસ્યો છે. રાજ્યમાં કુલ 272 જેટલા પશુઓના પણ મૃત્યુ પણ વધારે વરસાદને લીધે નોંધાયા છે. જો કે તમામ જિલ્લામાં મોટાપાયે રેસ્ક્યૂની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. લોકોને ઓછી તકલીફ પડે તેને લઈને તંત્ર દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે. સાથે જ સૂચન પણ કરવામાં આવ્યું છે કે લોકો નીચાણવાળા વિસ્તારમાંથી મદદ મેળવી સુરક્ષિત સ્થળે ખસી જાય. ઝાડ કે વીજળીના થાંભલા તેમજ નદી-નાળા વિસ્તારમાં જતા બચે.

અમદાવાદ થયું પાણીમાં ગરકાવ

અમદાવાદમાં રવિવારે રાતે પડેલા ધોધમાર વરસાદે વિરામ લીધો હતો. મોડી રાતે બે વાગ્યાથી ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો, જેમાં બે કલાકમાં શહેરમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. હાલમાં અમદાવાદમાં વરસાદે વિરામ લીધો છે. આજે પણ અમદાવાદમાં ભારે વરસાદની આગાહી છે. સોમવારે સવારે 7 વાગ્યાની સ્થિતિએ છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 14.29 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. મોડી રાતે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયાં છે.

શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી ​​​​​​

બીજી તરફ, શહેરમાં શાળા-કોલેજોમાં પણ આજે રજા જાહેર કરવામાં આવી છે. તમામ ગાર્ડન પણ બંધ કરી દેવાયા છે.બકેરી સિટી વેજલપુરમાં વીજપુરવઠો ગઇકાલ રાતથી ખોરવાયો છે.ભારે વરસાદના કારણે ગઇકાલ રાતથી વીજળી ગુલ થઈ ગઈ છે. બકેરી સિટીમાં કમર સુધીના પાણી ઘૂસ્યા હતા. વેજલપુર વિસ્તારમાં આવેલા સોનલ સિનેમા રોડ પર પાણી ઓસર્યા નથી. વેજલપુર સોનલ સિનેમા રોડ થી લઈને ટોરેન્ટ પાવર સુધી હજી પણ પાણી ભરાયેલા છે. જેના પગલે ભારે હાલાકી લોકોને પડી રહી છે. રોડ પર આખી નદી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વરસાદ બંધ થયાના ચાર કલાક બાદ પણ પાણી નહીં ઓસરતા પરિસ્થિતિ વણસી છે. શાંતિસદન 2 કોમ્પ્લેક્સમાં ભોંયરામાં આવેલી દુકાનો આખી ડૂબી ગઈ છે.

શહેરના અનેક વિસ્તારોમાં ભરાય પાણી

રવિવાર મોડી રાતે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ઉસ્માનપુરા, આશ્રમ રોડ, વાડજ, ઇન્કમટેક્સ વિસ્તારમાં 2.5 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં બે ઇંચ વરસાદ પડતાં ભારે હાલાકી પડી છે. હજી પણ સતત વરસાદ પડી રહ્યો છે. રવિવાર સાંજે સાત વાગ્યાથી સોમવારે વહેલી સવારે સાત વાગ્યા સુધીમાં પાલડી, વાસણા, એલિસબ્રિજ વિસ્તારમાં 18 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે વાડજ, ઇન્કમટેકસ, આશ્રમ રોડ વિસ્તારમાં 14 ઇંચ, બોડકદેવ, વસ્ત્રાપુર વિસ્તારમાં 12 ઈંચ વરસાદ પડ્યો છે.

સુરતમાં પણ એકજ રાતમાં 13 ઇંચ વરસાદ

હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને કારણે જિલ્લાનાં તમામ જળાશયોમાં પાણીથી છલકાઈ ગયાં છે. તમામ દક્ષિણ ગુજરાતની નદીઓ બંને કાંઠે વહી રહી છે. સુરત તેમજ તાપી જિલ્લાની અંદર ભારે વરસાદ થઈ રહ્યો છે. ત્યારે આજે સવારે 6થી 2 વાગ્યા સુધીમાં 13 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને પગલે ઠેર-ઠેર પાણી ભરાયાં છે. રસ્તાઓ પર પાણી ફરી વળવાને કારણે અનેક ગામ સંપર્કવિહાણો થયાં છે. સુરત કલેક્ટર દ્વારા 56 ગામના લોકોને શિફ્ટ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે.

સુરતમાં 28 જેટલા રસ્તા બંધ કરાયા

સુરતના ઉમરપાડા વિસ્તારમાં બારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ સર્જાય છે જેના પગલે તંત્ર દોડતું થયું છે. સુરત કલેક્ટર દ્વારા 56 ગામના લોકોને શિફ્ટ કરવાના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. બીજી તરફ એનડીઆરએફની એક ટીમ ઓલપાડ રાખવામાં આવી છે. જ્યારે એસબીઆરએફની ટીમ વડોદરાથી આવીને માંગરોળ ખાતે રાખવામાં આવશે. સાથે જ જિલ્લામાં હરીપુરા કોઝવેથી લઈને 28 જેટલા રસ્તા બંધ કરવામાં આવ્યા હોવાની ક્લેકટર એ વાત કરી હતી

હજુ 13 તારીખ સુધી રેડ એલર્ટ

સુરત જિલ્લા કલેક્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા વરસાદના પગલે અને આજે પડેલા ભારે વરસાદના પગલે હરીપુરા કોઝવે બંધ કરવામાં આવ્યો છે. સાથે જ સુરત જિલ્લાના 28 જેટલા રસ્તાઓને બંધ કરી દેવામાં આવ્યા છે. આ રસ્તાઓ ઉપરથી પાણી ફરી રહ્યા છે અથવા તો પાણીમાં ડૂબી ગયા હોવાથી બંધ કરવામાં આવ્યા છે. 13મી સુધી રેડ એલર્ટ હોવાના કારણે લોકોને સલામત પ્રવાસ ખેડવા અથવા ઘર બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે.

આ ગામો થયા સંપર્કવિહોણા

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકાની મોહન નદીમાં પૂરની સ્થિતિથી ચારણી ગામથી તાબદા તરફ જોડતો માર્ગ સંપર્કવિહોણા બન્યો હતો. આ સાથે તાબદા, ભૂતબેડા, ખેડીપડા, ઉમરઝર, કેવડી જેવાં ગામો સંપર્કવિહોણાં થયાં છે.

ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં થયો વધારો

સુરત જિલ્લા કલેકટર દ્વારા બે દિવસ અગાઉથી જ તાલુકા સ્તરે તમામ અધિકારીઓને હેડ ક્વાર્ટર મંજૂરી વગર ન છોડવા માટે આદેશ આપ્યા હતા. આજે સાંજે જિલ્લા કલેકટર દ્વારા વરસાદને લીધે ઊભી થયેલી સ્થિતિ અંગે પત્રકાર પરિષદ સંબોધીને માહિતી આપવાનું નક્કી કરાયું છે. ઉકાઈ ડેમમાં પણ સતત પાણીની આવક વધી રહી છે. ઉપરવાસમાં વધુપડતો વરસાદ હોવાને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક નોંધનીય રીતે વધી રહી છે. જિલ્લા કલેકટર દ્વારા અત્યારની તમામ ડેમની સ્થિતિઓ નદીના જલસ્તર તેમજ આગામી એક-બે દિવસમાં કયા પ્રકારની સ્થિતિ ઊભી થઈ શકે છે ત્યાં અંગેની માહિતી આપશે.