ગુજરાતના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ, લોકોને સુરક્ષિત જગ્યાએ કરાયા સ્થળાંતરિત

ગુજરાતમાં હજુ 5 દિવસ ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. તો બીજી બાજુ સુરત, નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું છે.

  • રાજ્યના 8 જિલ્લાઓમાં વરસાદને લઈને અલર્ટ
  • છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં રેડ અલર્ટ
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 10 હજાર 674 લોકોનું સ્થળાંતર કરાયું

ડેડિયાપાડામાં સૌથી વધુ 19.5 ઈંચ વરસાદ ખાબક્યો

રાજ્યમાં એક દિવસમાં 224 તાલુકાઓમાં વરસાદે રમઝટ બોલાવી છે. ત્યારે ગુજરાતના ડેડિયાપાડામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે. ડેડિયાપાડામાં 19.5 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સાથે તિલકવાડા, નાંદોદ, સુબિર અને ડાંગમાં પણ વ્યાપક વરસાદ જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં 24 મંત્રીઓને જિલ્લાવાર સોપી જવાબદારી

ગુજરાતના ભરૂચ, તાપી, નર્મદા, સુરત, વલસાડ, ડાંગ અને છોટાઉદેપુર, અમદાવાદ સહિતના જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જળપ્રલય જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. જેને લઇને ભારે વરસાદની સ્થિતિ સામે સરકાર એક્શન મૉડમાં આવી ગઈ છે. આ મામલે મુખ્ય સચિવ પંકજકુમારે તમામ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓને ઝીરો કેઝ્યુલિટીના અભિગમ સાથે રાહત બચાવની કામગીરી કરવા સૂચનાઓ આપી હતી. તો બીજી તરફ 24 મંત્રીઓને અલગ-અલગ જિલ્લાઓમાં પ્રભારી બનાવાયા છે અને પૂરઅસરગ્રસ્ત આઠ જિલ્લાઓમાં પ્રભારી જિલ્લામાં મંત્રીઓને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક કરવાની સૂચના અપાઈ છે. જેને લઇને મંત્રીઓ રવાના થયા છે.

  1. પૂર્ણશ મોદી: ભરૂચ અને નર્મદા
  2. મુકેશ પટેલ: તાપી
  3. કનું દેસાઇ: સુરત અને વલસાડ
  4. નરેશ પટેલ: ડાંગ
  5. નિમિષાબેન સુથાર: છોટાઉદેપુર
  6. ઋષિકેશ પટેલ: અમદાવાદ

11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હાલ મેઘમહેર જામી હોવાની વચ્ચે હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે. જેમાં 11થી 12 જુલાઇ સુધી સુરત જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે 13 થી 15 જુલાઇ સુધી ખુબજ ભારે વરસાદ (રેડ એલર્ટ) ની આગાહી કરવામા આવેલ છે, જેને લઈ હવે તંત્ર દ્વારા તમામ નાગરિકો સતર્કતા રાખવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરવામાં આવી છે.

Leave a Comment