ગુજરાત માં નાગરિકોને કોઈને કોઈ સમસ્યાઓ હોય છે. અનેકવાર એવુ બને છે કે લોકો સરકારી ઓફિસોના ધરમધક્કા ખાતા રહે છે, પરંતુ નિરાકરણ આવતુ નથી. આવામાં ગુજરાતના મુખ્યમંત્રી સાથે ડાયરેક્ટ સંપર્ક કરી શકાય છે. હવે CMO ને સીધી ફરિયાદ કરી શકાશે. સીએમઓમાં સંપર્ક કરવા માટે WhatsApp નંબર જાહેર કરાયો છે. આ જોઈને તમને અનિલ કપૂરની નાયક ફિલ્મ યાદ આવી જશે, જેમાં લોકો ડાયરેક્ટર મુખ્યમંત્રી સાથે સંવાદ સાધે છે.
સીએમઓમાં થશે સીધો સંપર્ક
કોઈપણ નાગરિક દ્વારા આ નંબર પર સંદેશ મોકલવામાં આવે કે તરત જ, એક સ્વતઃ જનરેટ થયેલો સંદેશ પ્રત્યુત્તરમાં પોપ અપ થાય છે: ‘CMO ગુજરાત સાથે નોંધણી કરવા અને WhatsAppનો ઉપયોગ કરીને સૂચનાઓ પ્રાપ્ત કરવા માટે સંમતિ આપવા બદલ તમારો આભાર. અમે તમને વિનંતી કરીએ છીએ કે આ નંબર સાચવો. જો તમે આ ચેનલ દ્વારા સંચાર બંધ કરવા માંગતા હોવ તો તમે ગમે ત્યારે “STOP” સાથે જવાબ આપી શકો છો.’
મુખ્યમંત્રી કાર્યાલયના વ્હોટ્સએપના બિઝનેસ એકાઉન્ટ પરના આ જવાબી સંદેશને જોતા એવું લાગે છે કે જે કોઈ સંદેશ મોકલે છે તેને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી સંદેશાવ્યવહાર મળશે.
મુખ્યમંત્રી કાર્યાલય નંબર
હવે ગુજરાતના નાગરિકો મુખ્યમંત્રી સાથે સીધો સંપર્ક કરી શકશે. નાગરિકો મુખ્યમંત્રી કાર્યાલય સોશિયલ મીડિયા સાથે જોડાઈ શકશે. મુખ્યમંત્રી કાર્યાલય સાથે જોડાવા માટે વોટ્સએપ નંબર જાહેર કરવામાં આવ્યો છે. આ વોટ્સએપ નંબરના માધ્યમથી મુખ્યમંત્રી કાર્યાલયમા કોઈ પણ સંપર્ક કરી શકે છે. સીએમ દ્વારા 7030930344 વોટ્સએપ નંબર જાહેર કરાયો છે.
મુખ્યમંત્રી એ આપ્યા નિર્દેશ
જો કે, અગાઉ, સીએમ ભૂપેન્દ્ર પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટર અને વહીવટીતંત્રના અધિકારીઓને સ્પષ્ટ નિર્દેશો આપ્યા છે કે તેઓ જિલ્લા સ્તરે અસરકારક કાર્યવાહી વિકસાવે જેથી સામાન્ય માણસને પણ તેમની સમસ્યાના નિરાકરણ માટે રાજ્ય સ્તરે આવવું ન પડે. અથવા ફરિયાદો. મુખ્યમંત્રી તરીકે સતત બીજી વખત રાજ્ય સરકારનો હવાલો સંભાળ્યા બાદ નવી સરકારના પ્રથમ રાજ્ય કક્ષાના ‘સ્વાગત’ કાર્યક્રમમાં અરજદારોની રજૂઆતોના સંદર્ભમાં તેમણે આ નિર્દેશ આપ્યો હતો.
આમ નાગરિકોના પ્રશ્નો નો આવશે ઉકેલ
મહત્વની વાત છે કે, ભૂપેન્દ્ર પટેલ અવાર-નવાર કોઈ ગામડાંની ઓચિંતી મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સમજતા જોવા મળે છે. ત્યારે પ્રશ્નો અને ફરિયાદો તેમના કાર્યાલય સુધી પહોંચાડવા પ્રજાને સરળતા રહે માટે વધુ એક પગલું લેવામાં આવ્યું છે. ત્યારે વૉટ્સએપ નંબરના માધ્યમથી થતી ફરિયાદોના નિરાકરણ નીકળે છે કે કેમ તે જોવું રહ્યું. કારણ કે, મુખ્યમંત્રી કાર્યાલય પર પહોંચતી અનેક ફરિયાદોના નિરાકરણ માટે પ્રજા રાહ જોઈને બેઠી છે. જેથી લોકમુખે ચર્ચા ચાલી રહી છે કે, ફરિયાદ કરવાનું સહેલું કરતા સાથે જ તે ફરિયાદનું નિરાકરણ પણ તાત્કાલીક મળે તે બાબત મહત્વની છે.