આગાહી : આજે ગુજરાતના 134 તાલુકામાં મેઘ મહેર, હજુ આગામી 24 કલાક બ્ભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહીના પગલે આજે રાજ્યમાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીમાં 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘરજમાં થયો છે. આ સાથે અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે બુઢેલી નદી બે કાંઠે વહેતા પાણી ખેતર અને મકાનોમાં ફરી વળ્યા છે તેમજ કમઠાડિયા સુરપુર અને 15થી વધુ ગામડાઓ સંપર્ક વિહોણા થયા છે.

  • ગુજરાત માટે વરસાદને લઇને 24 કલાક અતિભારે
  • રાજ્યમાં આજે 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો
  • ભિલોડામાં 15થી વધુ ગામડાઓ થયા સંપર્ક વિહોણા

ગુજરાતમાં વરસાદની આગાહી

રાજ્યમાં હજુ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે રાજ્યના 134 તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2-2 ઈંચ જેટલો વરસાદ સાબરકાંઠાના પોશીના, કડાણા અને મેઘરજમાં પડ્યો છે. જ્યારે ભિલોડા, સંતરામપુર, ઈડર અને શહેરામાં પોણા 2 ઈંચ વરસાદ વરસ્યો છે. આ સાથે કપરાડા, વિજયનગર, વડાલી, ફતેપુરા, મોરવા હડફ અને ગોધરામાં 1.5 ઈંચ વરસાદ થયો છે.

બીજી બાજુ અરવલ્લીના ભિલોડામાં પડેલા ધોધમાર વરસાદના કારણે નદીઓ છલકાઈ ગઇ છે. બુઢેલી નદી બે કાંઠે વહેતા ખેતર-મકાનોમાં પાણી ફરી વળ્યાં છે. નદીઓના પાણી ખેતર અને મકાનોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. તેમજ કમઠાડિયા સુરપુર અને 15થી વધુ ગામડાઓ પણ સંપર્ક વિહોણા થઇ ગયા છે.

ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

તમને જણાવી દઇએ કે, રાજ્યમાં વરસાદને લઇને હવામાન વિભાગે હજુ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે એવી આગાહી કરી છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. જેમાં 24 કલાક માટે અતિ ભારે વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોડાસા, અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદ શરૂ રહેશે. તારીખ 22 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર વધશે. એમાંય તારીખ 23 અને 24 જુલાઈના રોજ રાજ્યમાં અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

જુઓ આજે કયા-કયા વિસ્તારોને મેઘરાજાએ ધમરોળ્યો?

આજે વહેલી સવારથી જ અમદાવાદના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. જેમાં અમદાવાદમાં વેજલપુર, એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર અને હેલમેટ સર્કલ સહિતના વિસ્તારોમાં વરસાદે રમઝટ બોલાવી. જેના લીધે સવારમાં ઓફિસ અવર્સ હોવાથી લોકોએ રેઈનકોટ પહેરીને ઓફિસ પહોંચવું પડ્યું હતું.

વડોદરામાં પણ 4 ઈંચ વરસાદમાં ડભોઈ રોડ ઉપર પાણી ભરાઇ ગયા. શહેરના શાંતિનગર અને હીરાબાનગર વિસ્તારમાં પાણી ભરાઇ જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. દર વર્ષે વરસાદની સિઝનમાં અહીંયા લોકોએ પરેશાન થવાનો વારો આવતો હોય છે.

બીજી બાજુ ખેડાના નડીયાદમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો. છેલ્લા એક કલાકથી અહીં વરસાદે ધડબડાટી બોલાવી હતી. એક કલાકમાં દોઢ ઇંચ જેટલો વરસાદ નોંધાયો. જેના લીધે નડીયાદના રબારીવાડ વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે.

સાબરકાંઠા જિલ્લામાં પણ વહેલી સવારથી સાર્વત્રિક વરસાદ વરસ્યો. જેમાં ઈડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના અને વિજયનગર તાલુકામાં વરસાદ મન મૂકીને વરસ્યો. અત્યાર સુધીમાં ઈડર, વડાલી, વિજયનગર અને ખેડબ્રહ્મામાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પોશીનામાં 2 ઈંચ અને તલોદ અને પ્રાંતિજ અડધો ઈંચ વરસાદ પડ્યો. ઈડર-વડાલીની કરોલ નદી સીઝનમાં ત્રીજી વાર બે કાંઠે આવી ગઇ છે. જેના લીધે સ્થાનિક વિસ્તારમાં સિંચાઈનો પ્રશ્ન હલ થઇ જશે.

બનાસકાંઠાના અમીરગઢ પંથકમાં પણ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. ઈકબાલગઢ હાઈવેથી મેઈન બજાર જવાના રસ્તા ઉપર પાણી ફરી વળ્યાં છે. જેના લીધે લોકોએ ભારે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.

સુરતના બારડોલી-હરીપુરા કોઝ-વે પર પણ વરસાદના કારણે પાણી ફરી વળ્યાં છે. ઉકાઈ ડેમમાંથી 1.98 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. ડેમના 10 દરવાજા 10 ફૂટ સુધી ખોલી દેવાયા છે. જ્યારે ઉકાઈ ડેમનો 1 દરવાજો 8 ફૂટ સુધી ખોલી નખાયો છે. તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે જેતી નદીકિનારાના લોકોને એલર્ટ કરી દેવાયા છે.

અંબાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો

બનાસકાંઠાના અંબાજીમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા અંબાજીમાં રોડ પર પાણી ફરી વળ્યા હતાં. અહીં સવારથી જ જિલ્લામાં ઝરમર-ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

અરવલ્લીના મેશ્વો ડેમમાં 8 હજાર ક્યુસેક પાણીની આવક

બીજી બાજુ અરવલ્લીના મેશ્વો ડેમમાં 8 હજાર ક્યુસેક પાણીની આવક જોવા મળી છે. સીઝનમાં પ્રથમવાર ડેમમાં પાણીની આવક શરુ થઇ છે. જીવાદોરી સમાન મેશ્વો ડેમમાં પાણીથી આવક થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.